
- અસહ્ય ગરમી બાદ ગત સાંજે હવામાન પલટાયુંઃ ગાજવીજ સાથે કયાંક જોરદાર ઝાપટાં તો કયાંક ઝરમર : ગત રાત્રે મેઘાડંબર સાથે છાંટા બાદ રવિવારે ભુજમાં પુનઃ રવિનો પ્રકોપ
ભુજ : છેલ્લા એકાદ પખવાડિયાથી પવનની ગતિ તેજ બનતા વરસાદની માંડ બંધાયેલી આશાઓ પર પાણી ફરી વળ્યું હતું, પરંતુ છેલ્લા બે દિવસથી પવન મંદ પડ્યો છે અને અસહ્ય ઉકળાટ પણ વર્તાઈ રહ્યો છે, ત્યારે ગત રાતથી હવામાન બદલાતાં અબડાસા અને લખપતને બાદ કરતાં ૮ તાલુકામાં ગાજવીજ સાથે કયાંક છાંટા તો કયાંક ઝાપટાં વરસ્યા હતા. માંડવીમાં તેમજ તાલુકાના આસંબિયામાં ગત રાત્રે ઝરમરિયો વરસાદ થયા બાદ આજે પરોઢે પણ જોરદાર ઝાપટુ વરસ્યું હતું. જયારે જિલ્લામાં અન્યત્ર, કોઈ સ્થળે આકાશ વાદળ છાયું રહ્યું હતું, તો ભુજ સહિતના કેટલાક વિસ્તારમાં પુનઃ ગરમી વર્તાઈ હતી.
હવામાન વિભાગે પણ રવિ અને સોમવારે ઝાપટા વરસવાની આગાહી વ્યક્ત કરી છે તેની વચ્ચે ગઈકાલે ભુજમાં અસહ્ય બફારો વીજળીના ચમકારા પછી હળવા છાંટા પડતાં રાત દરમિયાન ધોધમાર વરસાદ થવાની આશા બંધાઈ હતી, જો કે સવારથી તડકો દેખાયો હતો અને ફરી ગરમી વરસવાનું શરૂ થયું હતું. ગાંધીધામમાં સાંજે ૭થી રાત્રે ૯ વચ્ચે ઝાપટું પડ્યું હતું. અંજારમાં રાત્રે ૮ઃ૩૦ના અરસામાં ગાજવીજ અને પવન સાથે ૧પથી ર૦ મિનિટ સુધી વરસાદ પડ્યો હતો. આજે રવિવારે વરસાદી વાતાવરણ હોવાથી લોકોમાં વરસાદની આશ બંધાઈ ગઈ છે.
તાલુકાના કોટડા, દુધઈથી માંડી અને એ જ પટ્ટામાં ભુજના કનૈયાબે સુધી ગાજવીજ સાથે ઝાપટા વરસ્યા હતા. નખત્રાણા પંથકના લક્ષ્મીપર, મુરૂ, લુડબાય, નરા, ધાવડા વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા. મુંદરા અને ભચાઉ પંથકમાં કેટલા સ્થળે ગઈ રાત્રે છાંટા કે ઝાપટા પડ્યા હતા.
રાપરના ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ વાગડ વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે મેઘરાજાનું આગમન થયું હતું અને જોત જોતામાં ગાજવીજ સાથે એકાદ કલાક વરસાદ ધીમી ધારો પડ્યો હતો. આ વરસાદના લીધે ગત વરસાદ થયો થતો ત્યારે વાવેતર થયું હતું તે ઉભા પાકને ફાયદો થશે.
અડધાથી પોણા ઈંચ વરસાદના લીધે સખ્ત ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાપર, નીલપર, ખીરઈ, આડેસર, નંદાસર, ભીમાસર સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, તો વીજ પુરવઠો આવ જાવ કરતાં લોકોને મુશ્કેલી પડી હતી.
Source: kutchuday.in