
- ચખણાની નીચે શરાબ !ઃ સીંગદાણાની આડમાં લવાતા શરાબના જથ્થાને સ્થાનિક પોલીસે પૂર્વ બાતમી આધારે મોડી રાત્રે વોચ ગોઠવી એક આરોપીને ર૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો : જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત ચાર સામે નોંધાઈ ફોજદારી
(ક્રાઈમ પ્રતિનિધિ)
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસે શરાબના જથ્થા ઝડપી પાડવામાં સતત ત્રીજા દિવસે હેટ્રીક નોંધાવી હતી. એલસીબીએ શિકારપુર પાસેથી ૪૬,૪૧,૬૦૦/-નો વિક્રમજનક શરાબ ઝડપી પાડયાના બીજા જ દિવસે કંડલા મરીન પોલીસે સંઘડ વાડીમાં છાપો મારી ૭,૧પ,ર૦૦/-નો વિદેશી શરાબ પકડી પાડયો હતો. ત્રીજા દિવસે ભચાઉ પોલીસે વોંધ નજીકથી ૧૧,૦૬,૭૦૦/-નો શરાબ બિયરનો જથ્થો ભરેલી ટ્રક સાથે એક શખ્સને ઝડપી પાડી શરાબ પકડી પાડવાની હેટ્રીક નોંધાવી હતી. ૧૧ લાખનો વિદેશી શરાબ કચ્છમાં ઘૂસે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ જતા દારૂ પ્યાસીઓ તથા બુટલેગરોમાં હડકંપ મચી જવા પામી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રેન્જ આઈજીપી ડી. બી. વાઘેલા તથા પૂર્વ કચ્છના ઈન્ચાર્જ એસપી ડી. એસ. વાઘેલા તથા ભચાઉના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એસ. એમ. સૈયદના માર્ગદર્શન હેઠળ દારૂ જુગાર જેવી અસામાજીક બદીઓ નેસ્તનાબુદ કરવા માટે ભચાઉ પીઆઈ બી. એસ. સુથાર સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલી પૂર્વ બાતમી આધારે સામખિયાળી ભચાઉ નેશનલ હાઈવે રોડ પર કિસાન હોટલ નજીક વોેંધ ખાતે વોચમાં હતા દરમ્યાન બાતમીવાળી ટ્રક નંબર આરજે જીએ ર૮૪૭ આવતા તેને રોકાવી તલાસી લેતા સીંગદાણાની આડમાં નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી શરાબની ૭૦પ એમએલ શરાબની બોટલો નંગ ર૭૮૪ તથા પ૦૦ એમએલ બીયરના ટીન નંગ ૧ર૦૦ એમ કુલ્લ રૂા. ૧૧,૦૬,૭૦૦/-નો જથ્થો મળી આવતા અસલારામ ભોમારામ ગોરસિયા (ચૌધરી) (ઉ.વ.ર૪) (રહે. હોડુ પોસ્ટ સીણધરી, તા.ગુડામલાણી, જિ.બાડમેર, રાજસ્થાન)ને પકડી પાડયો હતો. જ્યારે રેઈડ દરમ્યાન મોહનારામ ભેમારામ ગોરસિયા (ચૌધરી) (રહે. હોડુ પોસ્ટે સીણધરી, તા.ગુડામલાણી, જિ.બાડમેર, રાજસ્થાન) હાજર મળ્યો ન હતો. આરોપીના કબજામાંથી ૧૦ લાખની ટ્રક ૧૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન, ગ્રાઉન્ટ નટ દાણા બેગ નંગ ૧૭પ કિંમત રૂા. ૬,૮ર,પ૦૦/- તથા ૧૦૦૦ની તાલપત્રી મળી ર૮,૦૦,ર૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ દારૂ મોકલનાર તથા મંગાવનાર સહિત ચાર સામે ભચાઉ પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. દરોડાની કામગીરીમાં પીઆઈ બી. એસ. સુથાર, પીએસઆઈ એમ. કે. ચૌધરી સાથે સ્ટાફના સરતાનભાઈ કણોલ, ભીમાભાઈ ગોહિલ, વિજયભાઈ ડાંગર, વિશ્વજીતસિંહ ગોહિલ, જગદીશભાઈ સોલંકી, હરપાલસિંહ જાડેજા, નારણભાઈ આસલ વિગેરે જોડાયા હતા.
Source: kutchuday.in